તમને જરૂર છે ટેકાની ભાઈ મારા
અમને જરૂર કેશની-
હાલો, પથ્થારી ફેરવીએ દેશની..!
છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા,
આ વર્ષોની વાર્તાયું મેલો.
સાત પેઢી નિરાંતે બેસીને ખાય,
બસ, એટલો જ ભરવો છે થેલો.
દો'વા દે ત્યાં લગી જ આરતી ઉતરે છે
કાળી ડિબાંગ આ ભેંસની
હાલો, પથ્થારી ફેરવીએ દેશની..!
ફાઈલોના પારેવાં ઘૂ ઘૂ કરે છે...
હવે ચોકમાં દાણાં તો નાંખો!
ગમે તે કામ કરો, અમને ક્યાં વાંધો છે,
આપણાં પચાસ ટકા રાખો.
ચૂલે બળેલ કૈંક ડોસીયુંના નામ પર
આપી દો એજન્સી ગેસની
હાલો, પથ્થારી ફેરવીએ દેશની..!
દેકારા, પડકારા, હોબાળા રોજેરોજ,
વાગે છે નીતનવા ઢોલ
જેને જે સોંપશે એવોને એવો,
અહી અદ્દલ ભજવાશે રોલ
નાટકની કંપનીયું ઈર્ષા કરીને-
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો, પથ્થારી ફેરવીએ દેશની..!
No comments:
Post a Comment