Monday, January 3, 2011

એવા વળાંક પર..- કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.
અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને લચી શકું
અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું
અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.
અહીંથી ઉમંગ ઊડતાં અવસરમાં જઈ વસું
કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું
અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું
અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

1 comment:

  1. જીંદગી અનેકવાર એવા વળાંક પર લાવીને મૂકી દેતી હોય છે જ્યાંથી નક્કી નથી થઈ શકતું કે શું કરવું. કોઈ એક દિશા, કોઈ એક માર્ગ પસંદ કરીને ચાલી નીકળવું પડે છે. કોઈપણ રસ્તે ચાલવું એટલું અઘરું નથી, જેટલું અઘરું છે કોઈપણ રસ્તો પસંદ કરવું. જીવનમાં બે રસ્તા હોય છેઃ એક લાભનો, એક ગેરલાભનો. એક સત્યનો, એક અસત્યનો. છતાં સાચા તરફ વળવું કે ખોટા તરફ જવું એ મૂંઝવણ પ્રત્યેક મનુષ્યને કોઈને કોઈ વળાંકે મૂંઝવતી જ હોય છે. આ કવિતા બસ એવી જ મૂંઝવણને પ્રગટ કરે છે!

    ReplyDelete