Friday, October 16, 2009

યાદ - 'મરીઝ'

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા બધા તો ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખ-દર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.
એ તો ન રહી શક્તે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક સૂની જગા યાદ.
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનનીય મજા યાદ.
માંગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ;
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.
આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.
કિસ્મતમાં લખેલું છે જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.
ઝાહિદ, મને રહેવા દે તબાહી ભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડાંક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.
ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.
મન દઈને 'મરીઝ' એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને આ રહેશે સજા યાદ.
-'મરીઝ'

No comments:

Post a Comment