તું મારું સપનું છે બેટા, તું મારી સચ્ચાઈ
તું આવ્યો ને દુનિયામાં મારી ઓળખ બદલાઈ.
રખે તું ઊઠી જાય, એ બીકે બદલું નહિ હથેલી
ચડે હાથમાં ખાલી, તો યે લાગે એ ભરેલી.
શાળાના દરવાજે જ્યારે પાછું વળી તેં જોયું
કોરી આંખે, આખો દિવસ, હૈયું મારું રોયું.
તારી કૂમળી હથેળીમાંથી આંગળી મેં છોડાવી
એ ક્ષણની ભીનાશ આ મારી આંખોમાં સચવાઈ-
તું આવ્યો ને દુનિયામાં મારી ઓળખ બદલાઈ.
મને યાદ છે, પહેલીવાર હું તને લડ્યો'તો જ્યારે
તારી આંખનું આંસુ મારી આંખમાં છે અત્યારે.
એક જ સરખો ચહેરો આપણો, ઓફિસ ને શાળામાં
એકબીજાને શોધતી આંખો સમયના વચગાળામાં.
ઘરને ઝાંપે જઈ ઊભેલી આંખને મેં સમજાવી
ફરી કદી તારી આંખોમાં નહીં આંસુ રહે છલકાઈ-
તું આવ્યો ને દુનિયામાં મારી ઓળખ બદલાઈ.
કોઈને લાગતો મમ્મી જેવો, કોઈને પપ્પા જેવો
અમે ઈચ્છીએ, બનજે બેટા, તું બસ તારા જેવો.
તને ગમે જે સપનું એને કરજે તું સાકાર
અમારી ઈચ્છાઓનો તારા પર ના કોઈ ભાર.
તારા પિતા તરીકે જ્યારે કોઈ રાહે ઓળખાવી
હરખથી મારું હૈયું છલકે, હોઠ રહે મલકાઈ-
તું આવ્યો ને દુનિયામાં મારી ઓળખ બદલાઈ.