તું છોડાવી આંગળી મારી ઊડવાને આતુર
ઉંબર, આંગણ ઓળંગીને જાવા દૂર સુદૂર.
અમે જ ખોલી’તી બારી, અમે બારણાં પણ ખોલીશું
આવ્યા ત્યારે ‘આવો’ કીધું, ‘આવજો’ પણ બોલીશું.
જીવતાં જીવતાં જે સમજાયું, એ કહેવું છે મારે
હું જાણું છું તારું જીવન, જીવવાનું છે તારે.
બેટા, આવ, બેસ પાસે
સાંભળ, જે કહું છું આજે-
કદીક લાગશે, જીવન તો છે મનગમતો તહેવાર
કદીક લાગશે, જીવન તો છે અણગમતો વહેવાર.
જીવનપથ પર મળશે હોટલ, કદીક મળશે ઘર
શું છે સગવડ, શેમાં સુખ છે, જાણવાનો અવસર.
શું હોઠ ભીંજવતું પીણું ને શું તરસ છીપવતું પાણી,
શું છે જળ ને શું મૃગજળ એ ભેદને લેવો જાણી.
અહંકાર ને અધિકારની મનડું ગૂંથે જાળ
ઉડતાં શીખવી, ઉડવા પણ દઈ, રાખીશું સંભાળ..
માંગતા ભૂલી, આપતાં શીખો, પામશો આપોઆપ
આજ નહિ તો કાલે મળશે, વાટ જૂઓ ચૂપચાપ..
જીવન મળ્યું છે જીવવા માટે, લાગણીભીનું જીવો
તૂટે ત્યાંથી તરત જોડજો, ફાટે ત્યાંથી સીવો.
સડી જાય તે કાપવું પડશે, એટલું લેજો જાણી
જાગ્યા ત્યાંથી સવાર સમજો, જીવન બને ઉજાણી.
કોઇને ગમતી રાતરાણી ને કોઇને પારિજાત
કોઇને ઢળતી રાત ગમે ને કોઇને ગમે પ્રભાત.
પોતપોતાની પસંદ માંહે, સહુ કોઈ રહેતાં મસ્ત
સૂરજ પાસે શીખવા જેવું- ઊગે તેનો અસ્ત.
સંપત્તિ ને સમૃધ્ધિ ને ધનવૈભવ છે વ્હેમ
જીવન જીવવા જેવું છે એના કારણમાં છે પ્રેમ.
બાળપણમાં લંચબૉક્સમાં મમ્મી નાસ્તો ભરતી
કદીક ભાવતું, કદીક તને ના ભાવતું એ પણ મૂકતી.
ભાવતું જોઈને હરખાતો, ના ભાવતું એ પણ ખાતો
ભૂખ લાગતી સાચી ત્યારે હાથ નહિ રોકાતો.
ગમતું અણગમતું સઘળું જે કામનું લાગ્યું મને
બેટા, એનું જીવનભાથું મેં બંધાવ્યું તને.
આભે ઊડતાં જોઈ તને બસ ! અમે તો રાજી રહેશું
અમારો છે આ દીકરો એવું ગૌરવથી અમે કહેશું.
બેટા, ઊડ હવે તું આગળ !
લખજે કદીક તું કાગળ !