ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જૂઠી વાણી વિષે જો દુઃખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.
સહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળ ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.
કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો,
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.
કવિરાજા થયો શી છે પીડા તને કાંઈ?
નિજાનંદે હંમેશા 'બાલ'મસ્તીમાં મઝા લેજે.
-બાલશંકર કંથારિયા
બાલશંકર કંથારિયાની આ બહુ જૂની અને પ્રખ્યાત ગઝલ છે, જેની દરેક પંક્તિ એક કહેવત બરાબર છે. 'ન માંગ્યે દોડતું આવે...' જેવી પંક્તિઓ આપણે વિચાર વિસ્તારમાં સ્કુલમાં ભણી ચૂક્યા છીએ; પણ ખરું જોવા જઈએ તો આ ગઝલની દરેક પંક્તિ વિચાર વિસ્તાર માંગે એવી છે. જીવનના ઘણાં તબક્કે આવી વિચારપ્રેરક પંક્તિઓ માણસને મુસીબતો સામે ટકી રહીને તેને ઉકેલવા માટે પ્રેરણા અને નૈતિક તાકાત પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આવી પ્રેરણાદાયી રચનાઓ બદલ આપણાં સાહિત્યકારોના આપણે ઋણી છીએ.
ReplyDeleteWonderful Mohit.
ReplyDeleteWe wish you a nice time ahead and take care...