Saturday, May 16, 2009

ડાયાબિટીસની આંખ પર થતી અસર

આપણા દેશમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ છે. ડાયાબિટીસને કારણે શરીરમાં અનેક રોગો થઈ શકે છે. એક સર્વે મુજબ દુનિયાની કુલ વસ્તીના ૪.૫% લોકોને ડાયાબિટીસ હોય છે. પરંતુ ભારતમાં આ પ્રમાણ ઘણું વધારે છે અને દર વર્ષે વધતું જાય છે. આથી ૪૦ વર્ષથી ઉપરનાં લોકોએ ડાયાબિટીસની લોહી તપાસ નિયમિત કરાવવી ખૂબ જ જરૂરી છે.
ડાયાબિટીસની આંખ પર ઘણી અસર થાય છે. આંખના પડદા પર ડાયાબિટીસની અસર થવાથી એક અથવા બન્ને આંખોમાં દ્રષ્ટિ ઓછી થાય છે, જે અંતે અંધાપામાં પરિણમે છે. આમ અંધાપાના કારણોમાં ડાયાબિટીસ એક અગત્યનું કારણ છે. આંખની તથા પડદાની નિયમિત તપાસ અને સમયસર સારવારથી ડાયાબિટીસથી થતું અંધત્વ નિવારી અને અટકાવી શકાય છે.
ડાયાબિટીસથી આંખમાં થતી તકલીફોઃ

  • ચશ્માના નંબરમાં વારંવાર ફેરફાર થવો
  • ઝડપથી મોતિયો આવવો
  • ઝામર
  • આંખના સ્નાયુઓનો લકવો
  • આંખની નસ પર અસર થવી
  • આંખના પડદા પર સોજો આવવો/લોહી આવવુ
  • આંખમાં લોહી આવવુ
  • નજર ઓછી થવી
  • અજવાળામાંથી અંધારામાં ગયા પછી આંખને ટેવાવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગવો
  • પડદો ખસી જવો

પડદા પર ક્યારે વિશેષ અસર થાય ?

  • લાંબા ગાળાનો ડાયાબિટીસ-૧૦ વર્ષથી વધુ
  • બાળપણમાં થતો ડાયાબિટીસ-૭ વર્ષથી વધુ
  • ઈન્સ્યુલીન લેતાં દર્દીઓ
  • સગર્ભાવસ્થાનો ડાયાબિટીસ
  • ડાયાબિટીસને કારણે કિડની પર અસર થઈ હોય તેવા દર્દીઓ
  • નજર ખૂબ ઓછી હોય ત્યારે

પડદા પર શું અસર થાય ?
ડાયાબિટીસને કારણે આંખના પડદાની લોહીની નળીઓ સૂકાય છે જેને કારણે પડદાને ઓક્સિજન ઓછા પ્રમાણમાં પહોંચે છે. પરિણામે પડદા પર સોજો આવે છે કે લોહી આવે છે. લાંબાગાળે લોહીની નળીઓ બંધ થઈ જાય છે અને તે ભાગનો પડદો કામ કરતો બંધ થાય છે. નવી લોહીની નળીઓ પડદામાં, પડદા ઉપર, નસ ઉપર અને વિટ્રિયસમાં વિકસે છે. આ નળીઓ પૂર્ણવિકસિત તંદુરસ્ત નળીઓ ન હોવાના કારણે આંખના સામાન્ય દબાણથી, જોરથી છીંક ખાવાથી કે ઝડપથી માથું ફેરવવાથી પણ ખુલી જાય છે અને આંખમાં લોહી આવી જાય છે તથા એકાએક નજર ઓછી થઈ જાય છે.
આંખની વિવિધ તપાસઃ

  • નજરનું માપ
  • આંખનું દબાણ માપવું
  • સ્લીટ લૅમ્પથી આંખના ભાગની ઝીણવટભરી તપાસ તથાપડદાની તપાસ
  • અલ્ટ્રાસોનોગ્રાફી
  • ફ્લોરેસીન એન્જીઓગ્રાફી
  • O.C.T. SCAN

સારવારઃ

  • ડાયાબિટીસ કાબુમાં રાખવો.
  • આંખની નિયમિત તપાસ આંખના નિષ્ણાંત ડૉક્ટર પાસે કરાવવી.
  • પડદા પર અસર જણાય તો ડૉક્ટર આરગન લેસર કે ઑપરેશનની સલાહ આપશે.
  • આરગન લેસરઃ લેસર સારવારનું મુખ્ય ધ્યેય પડદાનો સોજો કરવાનું છે જેથી નજર જળવાઈ રહે અથવા તો સુધરે. તદુપરાંત નવી લોહીની નળીઓને બંધ કરવામાં આવે છે, જેથી પડદા પર અને આંખોમાં લોહી આવતું અટકે અને નજર જાળવી શકાય. નજરમાં સુધારો ધીમેધીમે થતો હોય છે, જેમાં છ મહિના જેવો સમય લાગે છે. અગત્યની વાત એ છે કે પૂરતી સારવાર લીધા પછી પણ ઘણાં દર્દીઓને વારંવાર લોહી આવતું હોય છે અથવા પડદા પરની અસર આગળ વધતી રહે છે અને અંતે અંધાપો આવે છે. લેસરની સારવાર લેવાથી રોગ સંપૂર્ણપણે મટી જતો નથી. ડાયાબિટીસની સાથે અન્ય રોગો જેવા કે હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ધમનીના રોગ કે કિડનીના રોગ હોય તો તેની સારવાર પણ જરુરી છે.
  • ઑપરેશનઃ જો આંખમાં આવેલું લોહી તેની જાતે ઓગળે નહીં, પડદા પર ખેંચાણ હોય અથવા તો પડદો ખસી જાય તો તેવા દર્દીઓને ઑપરેશનની જરુર પડે છે.


ડાયાબિટીસના દર્દીઓએ તેમની આંખની તપાસ દર છ મહિને કરાવવી ખૂબ જ આવશ્યક છે, જેથી ડાયાબિટીસને લીધે પડદા પર થતી અસરોનું વહેલું નિદાન અને સારવાર થઈ શકે.

No comments:

Post a Comment