Tuesday, May 19, 2009

પ્રેમ અને દિવાનગી !

(From "પ્રેમની પાંચ ભાષા"- the gujarati translation of Gary Chapman's bestseller- The Five Love Languages)

મનોચિકિત્સક એમ. સ્કોટ પૅક અને ડોરોની તેનોવ સહિત બીજા અનેક શોધકર્તાઓનું તારણ છે કે "પ્રેમની દિવાનગી"ના અનુભવને "પ્રેમ"નું નામ ના આપવું જોઈએ. ડૉ. તેનોવે તેના માટે "લિમરેન્સ" શબ્દ ઉપયોગમાં લીધો છે જેથી તેને સાચા પ્રેમથી અલગ તારવી શકાય. ડૉ. પૅકના મત પ્રમાણે "પ્રેમની દિવાનગી"ને ત્રણ કારણોસર સાચો પ્રેમ ન કહી શકાય. પહેલું એ કે પ્રેમમાં પડવું એ આપણા હાથની વાત નથી. આપણે પ્રેમમાં પડવા ઈચ્છતા હોવા છતાં પડી શકતા નથી, ભલેને એના માટે આપણે લાખ કોશિશ કરીએ. બીજી બાજુ પ્રેમમાં પડવાનું હોય ત્યારે લાખ કોશિશ કરવા છતાંય બચી નથી શકતા. કેટલીક વાર આપણે અચાનક જ કસમયે, અજાણ્યા માણસના પ્રેમમાં પડી જઈએ છીએ. બીજું, આ પ્રકારનો પ્રેમ સાચો પ્રેમ નથી કારણ કે એમાં પ્રયત્ન નથી હોતો. આપણે પ્રેમના ઉન્માદમાં જે કંઈ પણ કરીએ એમાં જરા પણ અધિકાર કે સભાનતાની જરૂર નથી પડતી. એકબીજાને કરેલા લાંબા ખર્ચાળ ફોન, એકબીજાને જોવા કે મળવા કરેલી લાંબી ખર્ચાળ મુસાફરીઓ, એકબીજાને આપેલી મોંઘીદાટ ભેટો કે એકબીજા માટે કરેલા કામ અને એની પાછળ ખર્ચેલા સમય કે નાણાં અથવા કરેલી મહેનત આપણા માટે અપ્રાસંગિક હોય છે. જેમ પક્ષીઓ સ્વાભાવિક રીતે જ જરૂરિયાતને અનુરૂપ માળો બનાવે છે અને મોસમ પૂરતા એમાં રહે છે એવી જ રીતે "પ્રેમની દિવાનગી" આપણી પાસે જાતજાતના વિચિત્ર કામ કરાવે છે, પરંતુ થોડા સમય પૂરતા જ ! ત્રીજું, આ પ્રેમમાં પડેલી વ્યક્તિ સામેવાળી વ્યક્તિના વિકાસમાં રસ નથી લેતી. જ્યારે આપણે આ પ્રકારના પ્રેમમાં પડીએ છીએ ત્યારે આપણા દિમાગમાં જો કોઈ લક્ષ્ય હોય છે તો એ હોય છે માત્ર અને માત્ર આપણી એકલતા દૂર કરવાનું. પરિણામે લગ્ન પછી પણ આપણે એમ જ કરીએ છીએ. પ્રેમની દિવાનગીનો અનુભવ ના તો આપણા પોતાના વિકાસ પર કેન્દ્રિત હોય છે ના સામેવાળાના. એ તો માત્ર આપણને એવા ભ્રમમા રાખ્યા કરે છે કે આપણને આપણી મંઝિલ મળી ગઈ છે. હવે આપણે વિકાસ સાધવાની જરૂર જ નથી. એ સમયે આપણે સુખની ટોચ પર બેઠા હોઈએ છીએ. એ સમયે આપણી એકમાત્ર ઈચ્છા એ સ્થાનને ટકાવી રાખવાની હોય છે. બેશક આપણને આપણા પ્રેમી/પ્રેમિકાના વિકાસની પણ ચિંતા નથી હોતી, કારણકે એ સમયે આપણી નજરોમાં એ એક આદર્શ વ્યક્તિ હોય છે જેમાં સુધારાની કે બદલાવની આપણને કોઈ જરૂર લાગતી જ નથી. આપણે ઇચ્છતા હોઈએ છીએ કે એ એક આદર્શ વ્યક્તિ જ રહે.

એનો અર્થ એ થયો કે પ્રેમની દીવાનગીના ભ્રમમાં આવીને આપણે લગ્નની જાળમાં ફસાઈ જઈએ છીએ. એ પછી આપણી સામે બે જ વિકલ્પો ખુલ્લા હોય છે. (૧) આપણે આપણા જીવનસાથી સાથે દુઃખભરી જિંદગી વિતાવવા તૈયાર થઈ જઈએ અથવા તો (૨) આપણે આપણું ડૂબતું જહાજ છોડીને બીજા જહાજ પર ચડી જઈએ. આપણા પહેલાની પેઢીઓ પહેલો વિકલ્પ પસંદ કરતી હતી. નવી પેઢી બીજા વિકલ્પને વધુ મહત્વ આપી પોતાના અંગત સુખ વિશે વધુ સ્પષ્ટ બનવા લાગી છે. પરંતુ એક ત્રીજો અને સુંદર ઉપાય એ છે કે પહેલા આપણે "પ્રેમની દીવાનગી"ના અનુભવને સંપૂર્ણ રીતે જાણી અને સમજી લઈએ, ત્યાર પછી એનાથી થતા માનસિક ફેરફારોને ઓળખી લઈએ. એ માત્ર એક ક્ષણિક ભાવનાત્મક આવેગ છે એવું જાણી લીધા બાદ વાસ્તવિક પ્રેમની શરૂઆત કરીએ. આ પ્રકારનો પ્રેમ ભાવનાત્મક પ્રકૃતિનો હોય છે પણ એને દીવાનગી ના કહી શકાય કારણકે એ ભાવના અને બુધ્ધિના તાદાત્મ્યમાંથી ઉદભવે છે. આ પ્રેમ પોતાની ઈચ્છાથી થાય છે. એમાં અનુશાસન જરૂરી હોય છે. વળી આ પ્રકારનો પ્રેમ વ્યક્તિગત વિકાસને પણ પ્રાધાન્ય આપે છે. આપણી મૂળભૂત ભાવનાત્મક જરૂરિયાત પ્રેમની દીવાનગી નહીં, પણ વિશુધ્ધ પ્રેમ હોય છે.એવો પ્રેમ જે ઇન્દ્રિયો દ્વારા નહીં, પણ તર્ક, સમજદારી અને પસંદગી દ્વારા વિકાસ પામ્યો હોય. જેમાં આપણી ઈચ્છા અથવા એક એવી વ્યક્તિની જરૂરિયાત હોય છે જે તમને પ્રેમ કરવા માટે પસંદગીનો અવકાશ આપે. એ તમારામાં રહેલી પ્રેમ કરવાની ક્ષમતાઓને જોઈ શકે, સમજી શકે. આ પ્રકારનો પ્રેમ એ કોઈ અચાનક થયેલી અનુભૂતિ નથી પરંતુ કોઈ એક વ્યક્તિને ઓળખીને, સમજીને એનામાં રહેલા ગુણો-અવગુણોને સારી રીતે મૂલવીને કેળવવામાં આવેલો ભાવનાત્મક સંબંધ છે. આ પ્રકારના પ્રેમમાં પ્રયત્ન અને અનુશાસનની જરૂર પડે છે, કારણ કે એમાં આપણે ઇરાદાપૂર્વક સામેવાળી વ્યક્તિને ફાયદો થાય એવા પ્રયત્નો પણ કરીએ છીએ. આપણી સાથે-સાથે એના સુખ અને સમૃધ્ધિ માટેની સભાનતા પણ કેળવીએ છીએ. પરિણામે આપણને સંતોષની અનુભૂતિ પણ થાય છે, સાથે જ સામેવાળી વ્યક્તિને પણ સંબંધનો સંતોષ મળે છે. આ એક એવા સંતોષની અનુભૂતિ છે કે આપણે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. સાચા પ્રેમમાં "પ્રેમની દિવાનગી"ની અનુભૂતિ હોવી જરૂરી નથી. ખરેખર તો સાચો પ્રેમ ત્યારે જ શરૂ થાય છે જ્યારે "પ્રેમની દિવાનગી"નો અંત આવે છે.

No comments:

Post a Comment