Friday, January 21, 2011

બાળપણની કવિતા..!

પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરાવીને સમય કરે છે છણકો,
બાળપણના એ દિવસોને સ્હેજ અડું ત્યાં થાતો મોટો ભડકો...
લીટાવાળી દિવાલો પર લટકે આખું બચપણ થઈને ફોટો,
વા થયેલા પગને હજુયે વીતી ગયેલી પળમાં મૂકવી દોટો...
દૂરબીનમાં જોયેલા દ્રશ્યો ચશ્માં થઈને આંખો સામે ઝૂકે,
હાલરડાંમાં ઓગળતી રાતોનું સપનું આવે ભૂલેચૂકે...
દિવસો વિતતા ચાલ્યા એમ જ વધતી ચાલી નેઈમપ્લેટની ઉંમર,
ઘર-ઓફિસના રસ્તા વચ્ચે પગની ઠોકર ખાતો રહેતો ઉંબર...
જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો,
યાદ નથી કે કઈ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો-દડકો...!

No comments:

Post a Comment