Friday, August 21, 2009

સુખનું રહસ્ય!

એક નાનકડી વાર્તા!
એક હોસ્પિટલના જનરલ વૉર્ડમાં બે દર્દી પાસ-પાસેના ખાટલામાં દાખલ હતા. બન્ને કોઈ ગંભીર બિમારીને કારણે એટલાં અશક્ત થઈ ગયાં હતાં કે કોઈની મદદ વગર પડખું પણ ન ફેરવી શકે. એમાના એક દર્દીનો પલંગ બારીની સામે જ હતો જ્યારે બીજાનો થોડો દૂર. આથી બીજા દર્દીને આખો દિવસ નજર સામે હૉસ્પિટલની દિવાલ જ દેખાતી રહેતી હોવાથી તે કંટાળી જતો. એક દિવસ તેણે પેલા બારીની સામેવાળા દર્દીને કહ્યું,"દોસ્ત, મને તો અહીંથી બહારનું કંઈ દેખાતું નથી, પણ તું તો નસીબદાર છે કે આખો દિવસ બારીમાંથી બહારની દુનિયા જોઈ શકે છે." આ સાંભળીને પેલા દર્દીએ થોડું વિચારીને કહ્યું,"કંઈ વાંધો નહિ, હવે હું તને રોજ અહીંથી મને જે કંઈ દેખાય છે તેનું વર્ણન કરીશ. તું તેને જોઈ ભલે ન શકે પણ તારી કલ્પનાશક્તિ થકી માણી જરૂર શકીશ." ત્યારબાદ તો બંનેનો આ નિત્યક્રમ થઈ ગયો. બારીની સામેવાળો દર્દી રોજ બારીમાંથી દેખાતા સુંદર વૃક્ષો, તેના પુષ્પો, ફળો અને તેની ઉપર કલબલાટ કરતાં પક્ષીઓ, માણસોની રસ્તા પરની ચહલપહલ, વાહનોની અવરજવર, કોઈ બાળકની મસ્તીભરી શરારત એવા અનેકાનેક દ્રશ્યોનું આબેહુબ વર્ણન કરતો. આ બધું સાંભળીને બાજુનો દર્દી તે બધું જોયાનો કાલ્પનિક સંતોષ લઈ લેતો અને તેનું મન પ્રફુલ્લિત થઈ જતું, પણ ક્યારેક તે એમ વિચારતો કે કાશ મને પણ બારીની સામે જ જગ્યા મળી હોત તો હું આ બધું જ સાક્ષાત જોઈ શકેત. અચાનક એક દિવસ પેલા બારીવાળા દર્દીની તબિયત લથડી ગઈ અને થોડીક જ ક્ષણોમાં તેનું મૃત્યુ થઈ ગયું. પેલો બાજુવાળો દર્દી દુઃખી તો થયો પણ સાથેસાથે તેને આશા પણ જાગી કે તે જગા હવે તેને મળી શકે એમ છે. આથી, તેણે ડૉક્ટરને વિનંતી કરી કે તે જગા તેને આપવામાં આવે. ડૉક્ટરની સંમતિ બાદ તે દર્દીને બારીની સામેવાળી જગાએ શિફ્ટ કરવામાં આવ્યો. પણ જેવી એણે બારીની બહાર નજર નાખી એ છક થઈ ગયો, કેમકે ત્યાં તો સામે બાજુના મકાનની દિવાલ જ દેખાતી હતી બીજું કંઈ જ નહિ. તેને સમજાઈ ગયું કે જે દિવાલની સામે જોઈ પોતે નિરાશા વ્યક્ત કરતો હતો તેવી જ એક દિવાલમાં કલ્પનાના રંગ પૂરી તેનો સાથી પોતાના તેમજ તેના માટે આનંદની પળો સર્જતો હતો. તેને સમજાઈ ગયું કે ખુશી માત્ર પોતાને શું મળ્યું છે તેનો હિસાબ નથી પરંતુ તમે બીજાને કેટલું આપી શક્યા તેનો જવાબ છે! દોસ્તો, સાચા સુખનું રહસ્ય જીવનમાં તમને શું મળ્યું છે તેમાં નહિ, પરંતુ તેમાંથી તમે શું સર્જી શકો છો તેમાં છે!

1 comment:

  1. good one. i m trying to follow this since long. thanks for such a nice blogs. by writing blogs - u r doing the best thing in this world. i eagerly waiting & waiting for your next one after every blog now....JAI JINENDRA

    ReplyDelete